આપણો વારસો




*વિસરાતો વારસો : ઈંઢોણી*
⏳⌛🧐
💫 *અર્થ  :*

ઈંઢોણલી, ઉઢાણી, મોચીલો, નાનું ગૂંથેલું ઉઢાણું, માથા ઉપર ભાર ઉપાડતી વખતે વચ્ચે મૂકવામાં આવતો લૂગડાનો વીંટો અથવા મુંજ ઘાસનું ફીડલું.

💫 *ઉઢાણુંની ઉત્પત્તિ:*
ઉઢાણું શબ્દ સંસ્કૃત- ઉદ્(ઊંચું)+ વહ્ (ઉપાડવું) પરથી બન્યો છે. ઉઢાણ પરથી ઉઢાણું, ઉઢાણી અને ઈંઢોણી શબ્દ વપરાશમાં આવ્યા હશે.

💫 *બનાવટ :*
એક જાતનું દાભ જેવું પવિત્ર ઘાસ કે જેને ગૂંથીને ગોળ આકાર આપી તેની ઈંઢોણી બનાવવામાં આવે છે. આ સિવાય કાપડના વીંટાને ગોળ આકાર આપી ઈંઢોણીની જેમ ઉપયોગમાં લેવાય છે, જેને મોચીલો કહેવામાં આવે છે.

💫 *શોભા :*
ઈંઢોણીને મોર,પોપટ, સાથિયા, ઝાડવા જેવાં રૂપકડાં ચિત્રો વડે  મોતીથી ભરીને સુંદર કલાત્મક રીતે શણગારવામાં આવે છે. આ સિવાય આભલા, ઊન કે  ભરતગૂંથણ દ્વારા પણ સુંદર કલાત્મક ઓપ આપવામાં આવે છે.

💫 *ઉપયોગ :*
✨પહેલાંના જમાનામાં ગૃહિણીની સખી એટલે ઈંઢોણી. ઘરમાં જેટલી સ્ત્રીઓ હોય તેટલી ઈંઢોણીઓ ખીંટીએ ટીંગાડેલી જ હોય. કૂવેથી પાણી ભરી લાવવા, ગાય-ભેંસ દોહી દૂધ લાવવા, માલઢોર માટે ચાર-પૂળો લાવવા, ઘંટીએ દળાવવા, નદી- તળાવે કપડાં ધોવા, ચૂલા માટે બળતણ લાવવા વગેરે કાર્યોમાં ઈંઢોણી કે મોચીલો ગૃહિણીને સરળતા કરી આપે.
✨આ સિવાય પણ લગ્ન પ્રસંગે કે શુભ પ્રસંગે કળશ, ઘડો કે કુંભ મૂકવા ઈંઢોણી વપરાય.
✨સૌરાષ્ટ્ર-કાઠિયાવાડમાં હજી પણ દીકરીઓને આણામાં મોતી ભરેલ નારિયેળ, કળશ અને ઈંઢોણી આપવાનો રિવાજ છે.
✨શુભ પ્રસંગે સામૈયા કરવા હોય તો... ઈંઢોણી વગર કેમ શક્ય બને?
✨નવરાત્રીમાં ગરબા માથે ઉપાડવા કલાત્મક ઈંઢોણી ગરબામાં ચાર ચાંદ લગાવે છે.
✨ઘણી જગ્યાએ નવરાત્રીમાં 'ઈંઢોણી રાસ' રમવામાં આવે છે,  જેમાં બાળાઓ કે મહિલાઓ સળગતી ઈંઢોણી માથે લઈને રાસ કે ગરબા રમે છે.

💫 *ગરબા, રાસ અને લોકગીત:*
ઈંઢોણી શબ્દ પરથી ઘણાં ગીતો, રાસ અને ગરબા રચવામાં આવ્યાં  છે.

✨છેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે....
✨સોના ઈંઢોણી રૂપા બેડલું રે; નાગર ઊભા રો' રંગ રસિયા....
✨સોનાનો ગરબો માને રૂપલા ઈંઢોણી...
✨મારી ઈંઢોણીના ફૂમતાં ચાર ખોવાણી મારી ઈંઢોણી...

         હવે, ઈંઢોણી શબ્દ ફક્ત ગરબા, રાસ, ભજન કે લોકગીતોમાં જ સાંભળવા મળે છે. કદાચ નવી પેઢીને 'ઈંઢોણી' શું છે? તેની ખબર પણ નહીં હોય.

👩‍🏫 *-હેતલ મહેતા, મહેસાણા*















*વિસરાતો વારસો : ઘંટી*
⏳⌛🧐

💫 *અર્થ :*
અનાજ દળવાનું પથ્થરના બે પડવાળું એક સાધન, દળવાનું સાધન, ચક્કી.
💫 *બનાવટ :*
ઘંટી પથ્થરની બનેલી હોય છે, જેને બે ખરબચડાં પડ હોય છે. ઉપલા પડને લાકડાનો હાથો હોય છે. ઘંટીના પથ્થરને ટંકાવીને ખરબચડી કરવામાં આવે છે. ઘંટીનો લોટ ભેગો થાય છે તે ભાગને  થાળું કહે છે.
💫 *ઉપયોગ :*
અનાજ દળવા, મસાલા દળવા, કઠોળના ફાડા કરવા.
💫 *સૌદર્ય:*
પહેલાંના વખતમાં ગામડાંમાં સ્ત્રીઓ સવારસવારમાં ઘંટી ફેરવતી જાય ને મીઠાં પ્રભાતિયાં અને ગીતો ગાતી જાય. 
💫 *ગીત :*
ઘમ રે ઘંટી ઘમ ઘમ થાય,
ઝીણું દળું તો ઊડી ઊડી જાય...
જાડું દળું તો કોઈ  ના ખાય....
 💫 *ઘંટી પરથી પડેલા શબ્દો:*
●ઘંટીધોબો: ઘંટીના પડમાં ટાંકણું મારવાથી પડેલો ખાડો.
●ઘંટીધોબાળું: ઘંટીના પડમાં ટાંકણાં મારવાથી જેવા ખાડા પડ્યા હોય તેવા ખાડા ખાડાવાળું 
●ઘંટીચોર: લક્કડખોદ, તે બોલે છે ત્યારે ઘંટી ટાંકતાં જે અવાજ થાય છે તેવો અવાજ નીકળે છે.
●ઘંટીચોર : ચબરાક ચોર
💫 *વ્યવસાયકાર:*
ઘંટી ટાંકનારને ટંકારો કહેવાય છે.
💫 *કહેવતો:*
¤ ઘોડે ચડેલો બાપ મરજો પણ ઘંટી દળતી મા ન મરજો.
¤ ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો 
¤ ઘંટી પ્રમાણે ઓરણું ને ચૂલા પ્રમાણે ખોરણું 
¤ ઘંટીએ બેસવું વરની ને ગીત ગાવા વીરાના 
¤ ઘંટીના ગળામાં ગયું બચે, પણ લોકના ચાવ્યામાં આવ્યું ન બચે.
¤ ઘંટીના પડની વચ્ચે પીસાવું 
¤ ઘંટી તળે આવવું 
¤ ઘંટી તળે હાથ 
¤ ઘંટી તેનાં ગીત
¤ ઘંટી ધરાવવી
¤ ડોકે ઘંટીનું પડ બાંધવું.
       ઘંટી એ ગામડાગામનું એક અભિન્ન અંગ હતું. આજની ઈલેક્ટ્રીક ઘંટી અને મિક્સરના કારણે આપણે તેને ગુમાવી દીધી છે. 

👩‍🏫 *સંકલનકર્તા-હેતલ મહેતા, મહેસાણા*














*વિસરાતો વારસો : કોઠી*



💫 *અર્થ:* 

અનાજ ભરવા માટે બનાવવામાં આવતો માટીનો કાચો કે પાકો ગોળ ઊંચો નળાકાર ઘાટ, માટીનો કે ધાતુનો ઊંચો નળાકાર.

💫 *ઉપયોગ:*

આજે પણ માટીમાંથી બનાવેલી કોઠીઓમાં અનાજ ભરાય છે. દર વર્ષે અનાજ ભરવાની પ્રથા ગ્રામ્ય વિસ્તારમાં કેટલીય જગ્યાએ હજુ પણ ક્યાંક-ક્યાંક જોવા મળે છે. કોઠીઓમાં સંગ્રહ કરેલું અનાજ લાંબા સમય સુધી સડતું નથી અને અનાજની સોડમ પણ જળવાઇ રહે છે.

💫 *બનાવટ:*

 કોઠી બનાવવા માટે સૌપ્રથમ તો તળાવ અથવા માટીખાણમાંથી ચીકણી કાળી માટી લાવવામાં આવે છે. આ માટીને એકદમ ઝીણી કરીને ચાળણી દ્વારા ચાળી નાખવામાં આવે છે. પછી એમાં ઘોડા કે ગધેડાની લાદનો ચાળેલ ભુક્કો ભેળવવામાં આવે. (આ ઘોડા કે ગધેડાની લાદ મેળવવા માટે કેટલાય ખેતરો અને ગામોમાં ભટકવું પડે. ઘોડા-ગધેડાની જ લાદ કોઠીમાં એ માટે ઉપયોગમાં લેવામાં આવતી કારણ કે તેમની લાદમાં ક્યારેય કીડાઓ પડતાં નથી અને સડો પણ નથી આવતો. જેથી કોઠીમાં રહેલ અનાજ પણ લાંબા સમય સુધી ગુણવત્તા સભર ટકી રહે છે.) ચાળેલ લાદનો ભુક્કો અને માટી ભેળવવામાં આવે. આ ભેળવણને ગારિયું કહેવાય. બનાવેલ કોઠી ફાટે નહીં એ માટે ગારિયામાં થોડી માત્રામાં ઘઉંનું ડૂર નંખાય. ત્યારબાદ આ ગારિયું ચારથી પાંચ દિવસ પલળવા દેવાય.એકરસ થઈ જાય ત્યારે કોઠીનો ઘાટ બાંધવાનું ચાલુ થાય. કોઠી માટે ગોળ આકારનું પાંજરુ તૈયાર કરાય પછી ગાર લઈને ચારેક આંગળનો ઊંચો થર કરી તેના પર ખપાટુંનું પિંજર મુકી થર ઉપર થર ચડાવાય. આમ વેંતેક જાડું તળિયું બનાવીને પછી છાંયડામાં સુકાવા દેવાય. સુકાયા પછી કોઠી માટે જરૂરિયાત મુજબના પાયા બનાવવામાં આવે. તળિયું અને પાયા તૈયાર થયા પછી એ માળખા ઉપર રોજ એકેક થર ચડાવાય. દસ-પંદરેક દિવસમાં તો આઠેક ફુટ ઊંચી અને ત્રણ-સાડા ત્રણ ફુટ પહોળી કોઠી તૈયાર થતી હોય છે. કોઠીને ઉપરથી ઢાંકવા માટે તેના આકારનું પડ બનાવવામાં આવે. અનાજ કાઢવા માટે નીચેના ભાગે ગોળ આકારે કાણું મુકવામાં આવે. ત્યાંથી અનાજ જરૂરિયાત પૂરતું બહાર નીકાળી શકાય. આ કોઠીઓમાં ઘઉં, જુવાર અને બાજરી જેવા ધાન્ય પાકો ભરાય. ધાન્ય પાકો માટેની કોઠી આઠ ફુટ જેટલી ઊંચી બનાવવામાં આવે. જ્યારે કઠોળ માટે પાંચ ફુટનાં માપની જ કોઠીઓ બનાવવામાં આવે.

💫 *રંગરોગાન:*

કોઠી સંપૂર્ણ તૈયાર થઈ ગયા બાદ તેને ખડીચૂનાના સફેદ રંગથી રંગી દેવામાં આવે.

💫 *અનાજની જાળવણીની રીત :*

અનાજ કે કઠોળ ભરતાં પહેલાં અનાજ કે કઠોળને રખ્યા(રાખ) અને લીમડાનાં પાનથી ભેળવી દેવામાં આવતું. આમ કરવાથી અનાજમાં સડો આવતો નથી. ત્યારબાદ રખ્યા અને લીમડાનાં પાન સાથે ભેળવેલ અનાજને કોઠીમાં નાંખવામાં આવતું. કોઠીમાં રાખેલ અનાજ વર્ષો સુધી સડતું નથી.

💫 *ક્ષમતા:*

આ કોઠીઓમાં 800કિલોગ્રામ(40 મણ)સુધીનું અનાજ સમાતું.

આ કોઠીઓ ખૂણામાં પડી રહેવાથી સંકડાશ પણ દુર કરતી અને બારદન(કોથળા) ની ગરજ પણ સારતી.

આમ, કોઠી એ ધાન્ય ભરવા અને સાચવવાનું એક પાત્ર ગણાતુ. જેનો ઉપયોગ કરી હજુ પણ કેટલાક સમુદાયો આ અમૂલ્ય વારસો જાળવી રહ્યા છે.

*













ડામચિયો*


અર્થ :*

ગોદડાં-ગાદલાં વગેરે મૂકવાની ચાર પગવાળી ઘોડી, ગોદડાં- ગાદલાં વગેરે રાખવાની માંડણી અને એ રીતે ખડકાયેલો ગોદડાં- ગાદલાંનો જથ્થો.


*💫રચના :*

ડામચિયા માટેની પાટ, ઘોડી કે માંચ મોટેભાગે મૂલ્યે સસ્તા પણ મૂળભૂત સશક્ત લાકડાંમાંથી બનાવેલી હોય છે. તેના પાયા મજબૂત હોય અને આડાં બે-ત્રણ પાટિયાં નીચેની બાજુએ સરખાં છોલાયેલાં ન હોય એવા આડાં હોય. નીચેનાં ગાદલાં-ગોદડાંને હવા મળ્યાં કરે તે માટે આડાં પાટિયાં વચ્ચે અવકાશ હોય.


*💫પરિવાર :*

આવા ડામચિયા પર રૂનાં પોચાં ગોદડાં-ગાદલાં, ગાભા-ચીંથરાંનાં  વજનદાર ગોદડાં-ગોદડી, ચારસા, કામળા, ચાદરો, રજાઈઓ,તકિયા, ઓછાડ વગેરે...શોભતાં હોય.


*💫દેખાવ :*

ડામચિયાનો આકાર ઉતરડ જેવો લાગે. નીચેથી પહોળો અને ઉપર જતા સાંકડો. તેના ઉપર આખો દિવસ જૂની ચાદર કે  શેતરંજી ઓઢાડેલી હોય. તેનાથી આખો દિવસ ઢંકાયેલો રહે અને રાત પડે જ તેને જાગવા મળે. તેના માટે ઘરનો એક ખૂણો અનામત રાખેલો હોય. વર્ષમાં એક વખત ભાદરવા મહિનામાં ડામચિયા પરિવારને સૂર્યસ્નાન કરવાનો લહાવો મળે. સૂર્યના તડકામાં તપીને ગોદડાં-ગાદલાંનાં કદમાં વધારો થાય. ડામચિયા પાટને પણ તેલ સિંચન કરવા અને તપાવા સૂર્યપ્રકાશમાં મૂકવામાં આવે.


*💫ડામચિયો એટલે મસ્તીની જગ્યા :*

ડામચિયો એટલે ગામડાંમાં બાળકો માટે રમત રમવાની પસંદગીની જગ્યા. તેના પર ચઢી કૂદકા મારવા, થપ્પો રમતાં તેની પાછળ સંતાઈ જવું. બાળકો ડામચિયા પર એવી રીતે બેસે કે જાણે સિંહાસન પર બેઠાં હોય.


*💫કહેવત કે ઉપનામ:*

જો કોઈ વ્યક્તિ શરીરે જાડું કે બેડોળ થઈ જાય તો તેના માટે 'ડામચિયા જેવા થઈ ગયા"  કહેવત વપરાય છે.

વળી, સુસ્ત કે આળસુ માટે પણ 'ડામચિયો' ઉપનામ વપરાય છે.


👩‍🏫 



ગુજરાતી ભાષાના ગામઠી શૈલી માં વપરાતા શબ્દો આજની પેઢી વિસરી ગઈ છે. શબ્દો ના લહેકાનો લ્હાવો જાણવા ને માણવા જેવો છે ! આવો ને થોડી પળો માતૃભાષા ને સમર્પિત કરીએ !

👉🏻 આપણા ભુલાયેલા શબ્દો યાદ કરવા જેવા છે જેમ કે 👇


ડામશયો ( ગાદલા ગોદડાં નો ઢગલો)

મોઢવું (ગોઠવેલા છાણાં નો ઢગલો)

શિપર ( સપાટ પથ્થર )

પાણો ( પથ્થર)


ઢીકો (ફેંટ મારવી)

ઝન્તર (વાજિંત્ર)

વાહર (પવન)


ભોઠું પડવું ( શરમાવું )

હટાણું. ( ખરીદી કરવા જવું )

વતરણું ( સ્લેટ ની પેન)

નિહાળીયા (વિદ્યાર્થી )

બોઘરૂં. ( દૂધ છાશ નું વાસણ )

રાડા (ડુંડા કાપ્યા પછી નું થડ)

નિરણ (પાલતુ પશુ ને ખાવા માટે)

ખાણ ( ઢોર કપાસિયા ખોળ વગેરે)

ખોળ. ( ટેલકાઢ્યાં પછી બિયા નો કુચો)

ખાહડા ( પગરખાં)

બુસ્કોટ ( શર્ટ )

પાટલુન ( પેન્ટ)

ભીસ્કુટ ( બિસ્કીટ )

ફારશયો ( કોમેડિયન )

ફારસ. ( કોમિક )

વન્ડી. ( દીવાલ )

ઠામડાં ( વાસણ )

લેવકળો ( માગ માગ કરનાર )

ભેરુ (દોસ્ત )

ગાંગરવુ. (બુમાબુમ કરવી)

કાંઠાળો ( હાઈટ વાળો )

ડણક ( સિંહ ની ત્રાડ)

બકાલુ (શાક ભાજી )

વણોતર ( નોકર)

ગમાંણ ( પાલતુ ઢોર ને ખાવા ની જગ્યા)

રાંઢવુ ( દોરડું )

દુઝાણુ. (દૂધ દેતા પશુ રાખવા )

પાણીયારૂ ( પાણી ના માટલા ની જગ્યા )

અડબાવ (ખોટું ઉગેલું ઘાસ)

દકતર (સ્કૂલ બેગ)

પેરણ. (પહેરવેશ ખમીસ)

ગોખલો (દીવાલ માં કઈક મુકવા નો ખાડો)

બાક્સ (માચિસ )

નિહણી ( નિસરણી)

ઢાંઢા ( બળદ )

કોહ ( સિચ્ચાંઈ માટે નું કૂવામાંથી પાણી ખેંચવાનું સાધન)

વેંત ,(તેવડ, ત્રેવડ)

હડી કાઢ (દોડાદોડ,,)

કળી ( ઝીણા ગાઠીયા ) 

મેં પાણી. ( વરસાદ )

વટક વાળવું (બદલો લેવો)

વરહ (વર્ષ,)

બે ખેતર વા ,( દુરી નું એક માપ)

વાડો(ઘર પાછળનો કાંટાની વાડ વાળો ખુલ્લો ભાગ)

૧ ગાવ (અંતર)

બાંડિયું(અડધી બાંયનું ખમીસ)

મોર થા ,( આગળ થા)

જિકવું (ફટકારવું)

માંડવી(શીંગ)

અડાળી( રકાબી)

સિસણ્યું (કૂવામાંથી પાણી ખેંચવાનું દોરડું)

દા આવવો (દાવ આપવો -લેવો )

વાંહે (પાછળ)

ઢીસ્કો ( ઠીંગણા)

બૂતાન (બટન)

બટન( સ્વીચ )

રેઢિયાર (રણીધણી વગર કોઈ માલિક ના હોય તેવું)

શિરામણ..સવારનો નાસ્તો

રોંઢો....સાંજનો નાસ્તો

માંગણ....માંગવા વાળા

વાળું...રાત્રિનું ભોજન

હાથ વાટકો...ગમે ત્યારે કામમાં આવે એવું

માંચો (ખાટલો) 

વળગણી (કપડાં સૂકવવા ની દોરી) 

પછીત (ઘરની પાછળ ના ભાગની દીવાલ)

ટીમણ.. ( બપોરનું ભોજન)


*કાઠીયાવાડી ભાષાનું અદભુત શબ્દભંડોળ*...


▪અમે ફરવા નહીં *રખડવા* જાઈયે,

▪અમે જમીએ નહીં *ખાઈએ*,

▪અમારે ત્યાં વાસણ નહીં *ઠામ* હોય,

▪અમે કપડા નહીં *લુગડા* પેરીયે,

▪અમે ચાલીએ નહીં *હાલીયે*,

▪અમે મગફળી ને *માંડવી* કહીયે,

▪અમે બારણા ને *કમાડ* કહીયે,

▪અમે વરસાદ ને *મેહ* કહીયે,

▪અમે માટલું નહીં *ગોળો* કહીયે,

▪અમે મોટર સાયકલ નહિ 

     *ભટભટીયૂ* કહીયે,

▪અમે ઝુલીએ નહિ *હીચકીયે*,

▪અમારે ધરે ઝૂલો નહીં *ખાટ* હોય,

▪અમારે કાર નહી *ગાડી* હોય,

▪અમે યાત્રા એ નહી *જાત્રા* એ જઈયે,

▪અમારે ત્યાં લગ્ન નહીં *લગન* હોય,

▪અમે સ્કૂલ નહીં *નીહાળે* જઈયે,

▪અમે ખરીદવા નહીં 

     *હટાણુ* કરવા જઈયે,

▪અમે વસ્તુ રીપેર નહીં *હમી* કરાવીયે, 

▪અમે બીમાર નહીં *માંદા* પડીયે,

▪અમારે ત્યાં મેહમાન નહીં *મેમાન* આવે,

▪અમે સ્મશાન યાત્રામાં નહીં 

     *આભડવા* જઈયે,

▪અમે સ્નાન ના કરીએ *નાહીએ*

▪અમે સ્કૂલ મા નહિ 

    *નિહાળ* મા ભણીયે,

▪અમે વસ્તુ ના કેટલા રૂપિયા નહીં 

     કેટલા *પૈસા* થયા તેમ પુછીયે,

▪અમને શિક્ષક નહીં *માસ્તર* ભણાવે, 

▪અમે સવારે બ્રેકફાસ્ટ નહીં 

    *શીરામણ* કરીયે,

▪અમે બપોરે લંચ નહીં *બપોરો* કરીયે,

▪અમે બપોર પછી 

      હાઈ ટી નહીં *રોંઢો* કરીયે,

▪અમે સાંજે ડીનર નહીં *વાળુ* કરીયે,

▪અમે સુઈ જાય નહીં *હુઈ જા*, કહીયે

▪અમે ગીત નહીં *ગાણા* સાંભળીયે,

▪અમે દુર જા નહી *આઘો જા* કહીયે,

▪અમે નજીક નહીં *ઓરો આવ* કહીયે,


*આ તળપદી અને મીઠુડી વાણી અમારી આગવી ઓળખ છે.*


*ભાઈ અમે કાઠીયાવાડી ...*

કાઠીયાવાડી ભાષાનું અદભુત શબ્દભંડોળ.

જય માતાજી... હર હર મહાદેવ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ચૂંટણી પરિણામ 24. Election results

વરસાદી આફત મેપ

વિરામ ચિન્હો ની સમજ / punctuation marks