શિક્ષણ સમાચાર

  • શાળા, વાલી,વિદ્યાર્થી ગાઈડ લાઈન 


  • શાળાએ આવતા વિદ્યાર્થીઓએ વાલીની સંમતિ લાવવી અનિવાર્ય: હાજરી ફરજિયાત નથી
  • ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ જ રહેશે
  • માસ પ્રમોશન નહીં અપાય, જેટલું ભણાવાશે એટલાની જ પરીક્ષા લેવાશે
  • રાજ્યનાં તમામ બોર્ડને આ નિયમ લાગુ પડશે: કોરોના સંદર્ભે કેન્દ્રની SOPનો ચુસ્તપણે અમલ કરાશે
  • શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 11મી જાન્યુઆરી-2021થી ધોરણ-10 અને 12 તથા સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ચાલુ કરાશે. મુખ્યમંત્રી રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગે ચર્ચાવિચારણા બાદ રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. આ અંગેની વધુ વિગતો આપતાં શિક્ષણમંત્રીએ ઉમેર્યું હતું કે આ નિર્ણય રાજ્યનાં તમામ બોર્ડને લાગુ થશે, જેમાં સરકારી શાળાઓ, ગ્રાન્ટ ઇન એઇડ-સ્વનિર્ભર સંસ્થાઓ તથા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની સંસ્થાઓને લાગુ પડશે. શાળા-કોલેજોએ કોરોના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલી SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. એ માટેની તમામ સૂચનાઓ શિક્ષણ વિભાગ દ્વારા તમામ સંસ્થાઓને મોકલી આપવામાં આવી છે એમ ચૂડાસમાએ કહ્યું હતું.

    કોરોના સંક્રમણને રોકવા માટેની અન્ય વ્યવસ્થાઓ કરવી પડશે
    શાળામાં સ્વચ્છતા સહિતની કોરોના સંક્રમણને રોકવા માટેની અન્ય વ્યવસ્થાઓ ગોઠવવા સંચાલકોએ અધિકારીઓના સંકલનમાં રહીને શાળામાં થર્મલગન વગેરેની વ્યવસ્થા કરવાની રહેશે. આ માટે સ્થાનિક કક્ષાએ આચાર્ય અને શિક્ષકોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાથે સંકલન કરીને યોગ્ય આયોજન કરવાનું રહેશે. શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત રહેશે નહીં.

    શાળામાં જવા માટે વિદ્યાર્થીઓએ વાલીની સંમતિ લેવી જરૂરી છે
    શાળાએ આવતા વિદ્યાર્થીઓએ પોતાના વાલીની સંમતિ લઇને પત્રકમાં મંજૂરી આપવાની રહેશે.આ માટેના જરૂરી ફોર્મ શાળાઓને મોકલી આપવામાં આવ્યાં છે, એમ શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું. ઉપરાંત હાલ રાજ્યમાં જે ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એ રાબેતા મુજબ ચાલુ રહેશે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે નહીં. શાળામાં જેટલું શૈક્ષણિક કાર્ય થશે એટલા જ શૈક્ષણિક કાર્યની પરીક્ષા લેવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું. અન્ય ધોરણના વર્ગો ક્યારે શરૂ કરવા એ અંગે પણ રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે અને એ અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.

    સ્કૂલો અને વાલીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે

    • સ્કૂલ-કોલેજો શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા કરવી પડશે.
    • વિદ્યાર્થીઓનું થર્મલગનથી ચેકિંગ, સેનિટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.
    • વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ. એટલું જ નહિ, માસ્કનો ફરજિયાત ઉપયોગ થવો જોઈએ.
    • સ્કૂલ-કોલેજથી નજીકના અંતરે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય એની પણ ખાતરી કરાવવી પડશે.
    • ભારત સરકારની SOPને અનુસરતાં રાજ્યમાં શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે એ યથાવત્ રહેશે.
    • રાજ્યમાં આવેલાં તમામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ આદિ જાતિ વિકાસ વિભાગની શાળાઓને SOP લાગુ પડશે.
    • સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી.
    • સ્કૂલે આવવા માટે વિદ્યાર્થીનાં માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે.
    • વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે એ જોવાનું પણ જણાવવામાં આવશે
    • વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું પડશે.
    • સ્કૂલ-કોલેજ સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડ ન થાય એ માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે એવું આયોજન આચાર્ય-પ્રિન્સિપાલે ગોઠવવાનું રહેશે.
    • વિદ્યાર્થીઓ ક્રમાનુસાર અઠવાડિયામાં નિયત કરેલા દિવસોએ સ્કૂલમાં આવે અને બાકીના દિવસોમાં ઘરે બેઠા એસાઇન્મેન્ટ કરે તેવું આયોજન કરવા પણ સૂચવવામાં આવ્યું છે.
    • સામૂહિક પ્રાર્થના–મેદાન પરની રમતગમત કે અન્ય સામૂહિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના આપી છે.
    • વાલીઓ તેમના વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કૂલે જવા-આવવા કરે, એ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
    • જે વિદ્યાર્થીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ સ્કૂલ તરફથી સાવચેતી-સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ચૂંટણી પરિણામ 24. Election results

વરસાદી આફત મેપ

વિરામ ચિન્હો ની સમજ / punctuation marks